________________ માનાદિ વાસનારહિત એવો બોધ જોઈએ છે. એવા પંથની ગવેષણા હું કરી રહ્યો છું. મન વચનાદિ બળવાન યોગવાળા જુદા જુદા પુરુષો બોધ પ્રરૂપતા આવ્યા છે, પ્રરૂપે છે; પણ હે પ્રભુ ! વાસનાના કારણે તે બોધ વાસિત છે, મારે તો નિર્વાસિત બોધ જોઈએ છે. તે તો, હે વાસના વિષય કષાયાદિ જેણે જીત્યા છે એવા જિન વીતરાગ અજિતદેવ ! તારો છે. તે તારા પંથને હું ખોજી, નિહાળી રહ્યો છું. તે આધાર મારે જોઈએ છે. કારણ કે પ્રગટ સત્યથી ધર્મપ્રાપ્તિ થાય છે. આનંદઘનજીની ચોવીશી મુખપાઠ કરવા યોગ્ય છે. તેના અર્થ વિવેચનપૂર્વક લખવા યોગ્ય છે. તેમ કરશો. મોરબી, ચૈત્ર વદ 14, 1955 પ્ર0- આપ જેવા સમર્થ પુરુષથી લોકોપકાર થાય એવી ઇચ્છા રહે એ સ્વાભાવિક છે. ઉ0- લોકાનુગ્રહ સારો ને જરૂરનો કે આત્મહિત ? મ0- સાહેબ, બન્નેની જરૂર છે. શ્રીમદ્ - શ્રી હેમચંદ્રાચાર્યને થયાં આઠસો વરસ થયાં. શ્રી આનંદઘનજીને થયાં બસો વરસ થયાં. શ્રી હેમચંદ્રાચાર્યે લોકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો. શ્રી આનંદઘનજીએ આત્મહિત સાધનપ્રવૃત્તિને મુખ્ય કરી. શ્રી હેમચંદ્રાચાર્ય મહાપ્રભાવક બળવાન ક્ષયોપશમવાળા પુરુષ હતા. તેઓ ધારત તો જુદો પંથ પ્રવર્તાવી શકે એવા સામર્થ્યવાન હતા. તેમણે ત્રીશ હજાર ઘરને શ્રાવક કર્યા. ત્રીશ હજાર ઘર એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઈ. શ્રી સહજાનંદજીના સંપ્રદાયમાં એક લાખ માણસ હશે. એક લાખના સમૂહથી સહજાનંદજીએ પોતાનો સંપ્રદાય પ્રવર્તાવ્યો, તો દોઢ લાખ અનુયાયીઓનો એક જુદો સંપ્રદાય શ્રી હેમચંદ્રાચાર્ય ધારત તો પ્રવર્તાવી શકત. પણ શ્રી હેમચંદ્રાચાર્યને લાગ્યું કે સંપૂર્ણ વીતરાગ સર્વજ્ઞ તીર્થકર જ ધર્મપ્રવર્તક હોઈ શકે. અમે તો તીર્થકરોની આજ્ઞાએ ચાલી તેમના પરમાર્થમાર્ગનો પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગનો પરમાર્થ પ્રકાશવારૂપ લોકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્ય માર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગ ભણી લોકોને વાળવા, લોકોપકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, માહામ્યવાન, ક્ષયોપશમવાન જ કરી શકે. જુદાં જુદાં દર્શનોનો યથાવત તોલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્યસ્વરૂપ છે એવો નિર્ધાર કરી શકે તેવા પુરુષ લોકાનુગ્રહ, પરમાર્થપ્રકાશ, આત્માર્પણ કરી શકે. શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છસો વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતો જતો હતો. શ્રી