________________ પ્ર0 જીવ એક છે કે અનેક છે ? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું. ઉ0_જીવો અનેક છે. પ્ર0- જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે ? ઉ0- જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. પ્ર0- પુનર્જન્મ છે ? ઉ0- હા, પુનર્જન્મ છે. પ્ર0- વેદાંતને માન્ય માયિક ઈશ્વરનું અસ્તિત્વ આપ માનો છો ? ઉ0- ના. પ્ર0- દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલું છે ? ઉ0- દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. 39 મોરબી, મહા વદ 9, સોમ, 1955 (રાત્રે). કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. ચાર ઘાતિનીનો ધર્મ આત્માના ગુણની ઘાત કરવાનો, અર્થાત્ (1) તે ગુણને આવરણ કરવાનો, અથવા (2) તે ગણનું બળવીર્ય રોધવાનો, અથવા (3) તેને વિકળ કરવાનો છે અને તે માટે ઘાતિની એવી સંજ્ઞા તે પ્રકૃતિને આપી છે. આત્માના ગુણ જ્ઞાન, દર્શન તેને આવરણ કરે તેને અનુક્રમે (1) જ્ઞાનાવરણીય અને (2) દર્શનાવરણીય એવું નામ આપ્યું. અંતરાય પ્રકૃતિ એ ગુણને આવરતી નથી, પણ તેના ભોગ-ઉપભોગ આદિને, તેનાં વીર્યબળને રોકે છે. આ ઠેકાણે આત્મા ભોગાદિને સમજે છે, જાણે દેખે છે એટલે આવરણ નથી, પણ સમજતાં છતાં ભોગાદિમાં વિપ્ન, અંતરાય કરે છે માટે તેને આવરણ નહીં પણ અંતરાય પ્રકૃતિ કહી. આમ ત્રણ આત્મઘાતિની પ્રકૃતિ થઈ. ચોથી ઘાતિની પ્રકૃતિ મોહનીય છે. આ પ્રકૃતિ આવરતી નથી, પણ આત્માને મૂર્શિત કરી, મોહિત કરી વિકળ કરે છે. જ્ઞાન, દર્શન છતાં, અંતરાય નહીં છતાં પણ આત્માને વખતે વિકળ કરે છે, ઊંધા પાટા બંધાવે છે, મુઝવે છે માટે એને મોહનીય કહી. આમ આ ચારે સર્વઘાતિની પ્રકૃતિ કહી. બીજી ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કામ કર્યા કરે છે, અને ઉદય અનુસાર વેદાય છે, તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવારૂપે કે અંતરાય કરવારૂપે કે તેને વિકળ કરવારૂપે ઘાતક નથી માટે તેને અઘાતિની કહી છે.