________________ મોરબી, ચૈત્ર વદ 7, 1955 વિશેષ થઈ શકે તો સારું. જ્ઞાનીઓને પણ સદાચરણ પ્રિય છે. વિકલ્પ કર્તવ્ય નથી. જાતિસ્મૃતિ થઈ શકે છે. પૂર્વ ભવ જાણી શકાય છે. અવધિજ્ઞાન છે. તિથિ પાળવી. રાત્રે ન જમવું, ન ચાલે તો ઉકાળેલું દૂધ વાપરવું. તેવું તેવાને મળે તેવું તેવાને ગમે. ‘ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભોગી રે; તેમ ભવિ સહજગુણે હોયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે.’ ‘ચરમાવર્ત વળી ચરમકરણ તથા રે, ભવપરિણતિ પરિપાક; દોષ ટળે ને દ્રષ્ટિ ખૂલે અતિ ભલી રે, પ્રાપ્તિ પ્રવચન વાક.’ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે. અને તેથી પ્રાયે તે મનુષ્યપણામાં મુખ્યત્વે ફૂડકપટ, માયા, મૂચ્છ, મમત્વ, કલહ, વંચના, કષાયપરિણતિ આદિ રહેલ છે. સકામ નિર્જરાપૂર્વક મળેલ મનુષ્યદેહ વિશેષ સકામનિર્જરા કરાવી, આત્મતત્વને પમાડે છે. મોરબી, ચૈત્ર વદ 8, 1955 ‘ષદર્શન સમુચ્ચય’ અવલોકવા યોગ્ય છે. ‘તત્વાર્થસૂત્ર’ વાંચવા યોગ્ય અને ફરી ફરી વિચારવા યોગ્ય છે. ‘યોગદ્રષ્ટિ સમુચ્ચય' ગ્રંથ શ્રી હરિભદ્રાચાર્યે સંસ્કૃતમાં રચ્યો છે. શ્રી યશોવિજયજીએ ગુજરાતીમાં એની ઢાળબદ્ધ સક્ઝાય રચી છે. તે કંઠાગ્રે કરી વિચારવા યોગ્ય છે. એ દ્રષ્ટિઓ આત્મદશામાપક (થરમૉમિટર) યંત્ર છે.