________________ 950 જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં વઢવાણ કૅમ્પ, ફાગણ સુદ 6, શનિ, 1957 કૃપાળુ મુનિવરોને નમસ્કાર સવિનય હો. પત્ર સંપ્રાપ્ત થયું. જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ યોગે વિચરવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજો પ્રતિબંધનો કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલોનો સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે. આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તો તેને દીક્ષા આપવામાં મુનિવરો અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયનો માર્ગ વૃદ્ધિમાન રહે એવી દ્રષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ. શરીરપ્રકૃતિ ઉદયાનુસાર છે. ઘણું કરી આજે રાજકોટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરોને પ્રાપ્ત થવા યોગ્ય છે. રાજકોટ થોડાક દિવસ સ્થિતિનો સંભવ છે. શાંતિઃ