________________ 931 શુભોપમાલાયક મહેતા ચત્રભુજ બેચર વિવાણિયા, જેઠ વદ 9, ગુરૂ, 1956 શુભોપમાલાયક મહેતા ચત્રભુજ બેચર, મોરબી, આજે તમારો કાગળ એક ટપાલમાં મળ્યો. પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવશો. તેમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. અન્ન, વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. ફકત તેમના સમજ્યા ફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે, તેથી ઊલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં. તેમનું વજન વધે અને તે પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતાં આ દેહ મળ્યાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતિ છે. બેઉ વ્યસન તેમણે કબજે રાખવાં જોઈએ. વ્યસન વધાર્યાં વધે છે અને નિયમમાં રાખ્યાં નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં ત્રણ ગણું કરી નાખ્યું તો તે વિષે તેમને ઠપકો દેવાનો હેતુ એટલો જ છે કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થતું જાય છે, તથા મન પરવશ થતું જાય છે, જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પોતાને મળેલો મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા કામમાં ગાળવો જોઈએ. પૂજ્યશ્રીને આજ રાતની ટ્રેનમાં મોકલશો.