________________ 924 આર્ય મુનિવરોના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વવાણિયા, વૈશાખ વદ 13, શનિ, 1956 આર્ય મુનિવરોના ચરણકમળમાં યથાવિધિ નમસ્કાર પ્રાપ્ત થાય. વૈશાખ વદિ 7 સોમવારનું લખેલું પત્ર સંપ્રાપ્ત થયું. નડિયાદ, નરોડા અને વસો તથા તે સિવાય બીજુ કોઈ ક્ષેત્ર જે નિવૃત્તિને અનુકૂળ તથા આહારાદિ સંબંધી સંકોચ વિશેષવાળું ન હોય તેવા ક્ષેત્રમાં ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરતાં શ્રેય જ છે. આ વર્ષ જ્યાં તે વેષધારીઓની સ્થિતિ હોય તે ક્ષેત્રે ચાતુર્માસ કરવું યોગ્ય નથી. નરોડામાં આરજાઓનું ચાતુર્માસ તે લોકો તરફનું હોય તે છતાં તમને ચાતુર્માસ કરવું ત્યાં અનુકૂળ દેખાતું હોય તોપણ અડચણ નથી, પરંતુ વેષધારીની સમીપના ક્ષેત્રમાં પણ હાલ બનતા સુધી ચાતુર્માસ ન થાય તો સારું. એવું કોઈ યોગ્ય ક્ષેત્ર દેખાતું હોય કે જ્યાં છયે મુનિઓ ચાતુર્માસ રહેતાં આહારાદિનો સંકોચ વિશેષ ન હોઈ શકે તો તે ક્ષેત્રે ચાતુર્માસ છયે મુનિઓએ કરવામાં અડચણ નથી, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી ત્રણ ત્રણ મુનિઓએ ચાતુર્માસ કરવું યોગ્ય છે. જ્યાં ઘણા વિરોધી ગૃહવાસી જન કે તે લોકોના રાગદ્રષ્ટિવાળા હોય ત્યાં અથવા જ્યાં આહારાદિનો જનસમૂહનો સંકોચભાવ રહેતો હોય ત્યાં ચાતુર્માસ યોગ્ય નથી. બાકી સર્વ ક્ષેત્રે શ્રેયકારી જ છે. આત્માર્થીને વિક્ષેપનો હેતુ શું હોય ? તેને બધું સમાન જ છે. આત્મતાએ વિચરતા એવા આર્ય પુરુષોને ધન્ય છે ! શાંતિઃ