________________ 901 ગુરૂ ગણધર ગુણધર અધિક મુંબઈ, કારતક સુદ 15, 1956 ‘ગુરૂ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; વ્રતતપધર, તનુ નગનધર, વંદૌ વૃષસિરમોર.” જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિ વડે વિશ્રાંતિ પામતું નથી. અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કૃષ્ટતાથી તે શોભે છે, જયવંત છે. જ્ઞાનીનાં વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે. દર્શનમોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગમાં પરમભક્તિ સમુત્પન્ન થાય છે, તત્વપ્રતીતિ સમ્યકપણે ઉત્પન્ન થાય છે. તત્વપ્રતીતિ વડે શુદ્ધ ચૈતન્ય પ્રત્યે વૃત્તિનો પ્રવાહ વળે છે. શુદ્ધ ચૈતન્યના અનુભવ અર્થે ચારિત્રમોહ વ્યતીત કરવા યોગ્ય છે. ચારિત્રમોહ, ચૈતન્યના-જ્ઞાની પુરુષના સન્માર્ગના નૈષ્ઠિકપણાથી પ્રલય થાય છે. અસંગતાથી પરમાવગાઢ અનુભવ થવા યોગ્ય છે. હે આર્ય મુનિવરો ! એ જ અસંગ શુદ્ધ ચૈતન્યાર્થે અસંગયોગને અહોનિશ ઇચ્છીએ છીએ. હે મુનિવરો ! અસંગતાનો અભ્યાસ કરો. બે વર્ષ કદાપિ સમાગમ ન કરવો એમ થવાથી અવિરોધતા થતી હોય તો છેવટે બીજો કોઈ સઉપાય ન હોય તો તેમ કરશો. જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર. ૐ શાંતિઃ