________________ 896 પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું મુંબઈ, કારતક, 1956 પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું. આ દુષમકાળમાં સત્સમાગમનો યોગ પણ અતિ દુર્લભ છે, ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણાનો યોગ ક્યાંથી બને ? સત્સમાગમનો પ્રતિબંધ કરવા જણાવે તો તે પ્રતિબંધ ન કરવાની વૃત્તિ જણાવી તો તે યોગ્ય છે, યથાર્થ છે, તે પ્રમાણે વર્તશો. સત્સમાગમનો પ્રતિબંધ કરવો યોગ્ય નથી, તેમ સામાન્યપણે તેમની સાથે સમાધાન રહે એમ વર્તન થાય તેમ હિતકારી છે. પછી જેમ વિશેષ તે સંગમાં આવવું ન થાય એવાં ક્ષેત્રે વિચરવું યોગ્ય છે, કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભપણે થાય. પરમ શાંત કૃતના વિચારમાં ઇન્દ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. સંતોષ આર્યા આદિએ યથાશક્તિ ઉપર દર્શિત કર્યું તે પ્રયત્ન યોગ્ય છે. ૐ શાંતિઃ