________________ 887 અગમ્ય છતાં સરળ એવા મોહમયી, શ્રાવણ વદ 0)), 1955 અગમ્ય છતાં સરળ એવા મહપુરુષોના માર્ગને નમસ્કાર સત્સમાગમ નિરંતર કર્તવ્ય છે. મહાભાગ્યના ઉદય વડે અથવા પૂર્વના અભ્યસ્ત યોગ વડે જીવને સાચી મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, જે અતિ દુર્લભ છે. તે સાચી મુમુક્ષતા ઘણું કરીને મહપુરુષના ચરણકમલની ઉપાસનાથી પ્રાપ્ત થાય છે, અથવા તેવી મુમુક્ષતાવાળા આત્માને મહપુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રાપ્ત થાય છે; સનાતન અનંત એવા જ્ઞાની પુરુષોએ ઉપાસેલો એવો સન્માર્ગ પ્રાપ્ત થાય છે. સાચી મુમુક્ષતા જેને પ્રાપ્ત થઈ હોય તેને પણ જ્ઞાનીનો સમાગમ અને આજ્ઞા અપ્રમત્તયોગ સંપ્રાપ્ત કરાવે છે. મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ આ પ્રમાણે જણાય છે. વર્તમાનકાળમાં તેવા મહત્પષનો યોગ અતિ દુર્લભ છે. કેમકે ઉત્તમ કાળમાં પણ તે યોગનું દુર્લભપણું હોય છે, એમ છતાં પણ સાચી મુમુક્ષતા જેને ઉત્પન્ન થઈ હોય, રાત્રિદિવસ આત્મકલ્યાણ થવાનું તથારૂપ ચિંતન રહ્યા કરતું હોય, તેવા પુરુષને તેવો યોગ પ્રાપ્ત થવો સુલભ છે. ‘આત્માનુશાસન’ હાલ મનન કરવા યોગ્ય છે. શાંતિઃ