________________ 872 ગૃહવાસનો જેને ઉદય વર્તે છે વવાણિયા, વૈશાખ સુદ 7, 1955 ગૃહવાસનો જેને ઉદય વર્તે છે, તે જો કંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઇચ્છતા હોય તો તેના મૂળ હેતુભૂત એવા અમુક સદ્ધર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં ‘ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર’ તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણો પ્રાપ્ત કરવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જો ધ્યાન આપવામાં આવે, અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે.