________________ 856 તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે ઈડર, માર્ગo વદ 4, શનિ, 1955 ૐ નમઃ તમારો લખેલો કાગળ તથા સુખલાલના લખેલા કાગળો મળ્યા છે. અત્રે સમાગમ હાલ થવો અશક્ય છે. સ્થિતિ પણ વિશેષનો હવે સંભવ જણાતો નથી. તમને જે સમાધાનવિશેષની જિજ્ઞાસા છે, તે કોઈ એક નિવૃત્તિયોગ સમાગમમાં પ્રાપ્ત થવા યોગ્ય છે. જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ, અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસુવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યક્તા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગધ્રુત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર કર્તવ્ય છે. ચિત્તધૈર્ય માટે તે પરમ ઔષધ છે.