________________ 828 શ્રી ભાણજી સ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશો સં. 1954 શ્રી ભાણજીસ્વામી પ્રત્યે કાગળ લખાવતાં જણાવશો કે:વિહાર કરી અમદાવાદ સ્થિતિ કરવામાં મનને ભય, ઉદ્વેગ કે ક્ષોભ નથી, પણ હિતબુદ્ધિથી વિચારતાં અમારી દ્રષ્ટિમાં એમ આવે છે કે હાલ તે ક્ષેત્રે સ્થિતિ કરવી ઘટારત નથી. જો આપ જણાવશો તો તેમાં આત્મહિતને શું બાધ થાય છે તે વિદિત કરીશું, અને તે અર્થે આપ જણાવશો તે ક્ષેત્રે સમાગમમાં આવીશું. અમદાવાદનો કાગળ વાંચીને આપ વગેરેએ કંઇ પણ ઉગ કે ક્ષોભ કર્તવ્ય નથી, સમભાવ કર્તવ્ય છે. જણાવવામાં કંઇ પણ અનમ્રભાવ થયો હોય તો ક્ષમા કરશો.* જો તરતમાં તેમનો સમાગમ થાય તેમ હોય તો એમ જણાવશો કે આપે વિહાર કરવા વિષે જણાવ્યું તે વિષે આપનો સમાગમ થયે જેમ જણાવશો તેમ કરીશું. અને સમાગમ થયે જણાવશો કે આગળના કરતાં સંયમમાં મોળપ કરી હોય એમ આપને જણાતું હોય તો તે જણાવો, જેથી તે નિવૃત્ત કરવાનું બની આવે; અને જો આપને કેમ ન જણાતું હોય તો પછી કોઇ જીવો વિષમભાવને આધીન થઇ તેમ કહે તો તે વાત પ્રત્યે ન જતાં આત્મભાવ પર જઇને વર્તવું યોગ્ય છે. એમ જાણીને હાલ અમદાવાદ ક્ષેત્રે જવાની વૃત્તિ યોગ્ય લાગતી નથી, કેમકે રાગદ્રષ્ટિવાન જીવના કાગળની પ્રેરણાથી, અને માનના રક્ષણને અર્થે તે ક્ષેત્રે જવા જેવું થાય છે, જે વાત આત્માને અહિતનો હેતુ છે. કદાપિ આપ એમ ધારતા હો કે જે લોકો અસંભાવ્ય વાત કહે છે તે લોકોના મનમાં પોતાની ભૂલ દેખાશે અને ધર્મની હાનિ થતી અટકશે, તો તે એક હેતુ ઠીક છે, પણ તેનું રક્ષણ કરવા માટે ઉપર કહ્યા તે બે દોષ ન આવતા હોય તો કોઇ અપેક્ષાએ લોકોની ભૂલ મટવાને અર્થે વિહાર કર્તવ્ય છે. પણ એક વાર તો અવિષમભાવે તે વાત સહન કરી અનુક્રમે સ્વાભાવિક વિહાર થતાં થતાં તેને ક્ષેત્રે જવું થાય અને કોઇ લોકોને વહેમ હોય તે નિવૃત્ત થાય એમ કર્તવ્ય છે; પણ રાગદ્રષ્ટિવાનનાં વચનોની પ્રેરણાથી, તથા માનના રક્ષણને અર્થે અથવા અવિષમતા નહીં રહેવાથી લોકની ભૂલ મટાડવાનું નિમિત્ત ગણવું તે આત્મહિતકારી નથી, માટે હાલ આ વાત ઉપશાંત કરી અમદાવાદ આપ દર્શાવો કે ક્વચિત્ લલ્લુજી વગેરે મુનિઓ માટે કોઇએ કંઇ કહ્યું હોય તો તેથી તે મુનિઓ દોષપાત્ર થતા નથી, તેમના સમાગમમાં આવવાથી જે લોકોને તેવો સંદેહ હશે તે સહેજ નિવૃત્ત થઈ જશે, અથવા કોઈ એક સમજવાફેરથી સંદેહ થાય કે બીજા કોઈ સ્વપક્ષના માનને અર્થે સંદેહ પ્રેરે તો તે વિષમ માર્ગ છે, તેથી વિચારવાન મુનિઓએ ત્યાં સમદર્શી થવું યોગ્ય છે, તમારે ચિત્તમાં કંઇ ક્ષોભ નહીં પામવો યોગ્ય છે, એમ જણાવો. આપ આમ કરશો તો અમારા આત્માનું, તમારા આત્માનું અને ધર્મનું રક્ષણ થશે. એ પ્રકારે તેમની વૃત્તિમાં બેસે તેવા યોગમાં વાતચીત કરી સમાધાન કરશો, અને હાલ અમદાવાદ ક્ષેત્રે સ્થિતિ કરવાનું ન બને તેમ કરશો તો આગળ પર વિશેષ ઉપકારનો હેતુ છે. તેમ કરતાં પણ જો કોઇ પણ પ્રકારે ભાણજીસ્વામી ન માને તો અમદાવાદ ક્ષેત્ર પ્રત્યે પણ વિહાર કરજો, અને સંયમના ઉપયોગમાં સાવચેત રહી વર્તશો. તમે અવિષમ રહેશો.