________________ 819 ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે મુંબઈ, માર્ગશીર્ષ સુદ 5, રવિ, 1954 ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષય-કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઇને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઇ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.