________________ 806 શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ, મુંબઈ, ભાદરવા વદ 8, રવિ, 1953 શ્રી ડુંગર આદિ મુમુક્ષુઓ, મન વગેરેની ઓળખાણનાં પ્રશ્નો મગનલાલે લખ્યાં તે સમાગમમાં પૂછવાથી સમજવાં ઘણાં સુલભ પડશે. પત્ર વાટે સમજાવાં કઠણ છે. શ્રી લહેરાભાઇ આદિ મુમુક્ષુઓને આત્મસ્મરણપૂર્વક યથાવિનય પ્રાપ્ત થાય. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્યંતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રત રાખી સશાસ્ત્ર અને શુભેચ્છાસંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે.