________________ ૭૭પ જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે. વવાણિયા, ચૈત્ર વદ 5, 1953 બે કાગળ પ્રાપ્ત થયા છે. જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે, એવા ભાવાર્થમાં આગલો કાગળ' અત્રથી લખ્યો છે. તે જેમ જેમ વિશેષ વિચારવાનું થશે તેમ તેમ અપૂર્વ અર્થનો ઉપદેશ થશે. હમેશ અમુક શાસ્ત્રાધ્યાય કર્યા પછી તે કાગળ વિચારવાથી વધારે સ્પષ્ટ બોધ થવા યોગ્ય છે. છકાયનું સ્વરૂપ પણ સપુરુષની દ્રષ્ટિએ પ્રતીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. આ જીવ કઇ દિશાથી આવ્યો છે, એ વાક્યથી શાસ્ત્રપરિજ્ઞાઅધ્યયન પ્રારંવ્યું છે. સદગુરૂ મુખે તે પ્રારંભવાક્યના આશયને સમજવાથી સમસ્ત દ્વાદશાંગીનું રહસ્ય સમજાવા યોગ્ય છે. હાલ તો આચારાંગાદિ જે વાંચો તેનું વધારે અનુપ્રેક્ષણ કરશો. કેટલાક ઉપદેશપત્રો પરથી તે સહજમાં સમજાઇ શકશે. સર્વ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. સર્વ મુમુક્ષુઓને પ્રણામ પ્રાપ્ત થાય. 1 આંક 767