________________ 759 અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુઃખ પ્રતિકૂળ સં. 1953 અત્યંત સુપ્રસિદ્ધ છે કે પ્રાણીમાત્રને દુ:ખ પ્રતિકૂળ, અપ્રિય અને સુખ અનુકૂળ, તથા પ્રિય છે. તે દુઃખથી રહિત થવા માટે અને સુખની પ્રાપ્તિ માટે પ્રાણીમાત્રનું પ્રયત્ન છે. પ્રાણીમાત્રનું એવું પ્રયત્ન છતાં પણ તેઓ દુ:ખનો અનુભવ જ કરતાં દ્રષ્ટિગોચર થાય છે. ક્વચિત્ કંઈક સુખના અંશ કોઈક પ્રાણીને પ્રાપ્ત થયા દેખાય છે, તોપણ દુઃખની બાહલ્યતાથી કરીને જોવામાં આવે છે. પ્રાણીમાત્રને દુ:ખ અપ્રિય હોવા છતાં, વળી તે મટાડવાને અર્થે તેનું પ્રયત્ન છતાં તે દુઃખ મટતું નથી, તો પછી તે દુ:ખ ટાળવાનો કોઈ ઉપાય જ નહીં એમ સમજાય છે, કેમકે બધાનું પ્રયત્ન નિષ્ફળ જાય તે વાત નિરુપાય જ હોવી જોઈએ, એમ અત્રે આશંકા થાય છે. તેનું સમાધાન આ પ્રમાણે છે :- દુ:ખનું સ્વરૂપ યથાર્થ ન સમજાવાથી, તે થવાનાં મૂળ કારણો શું છે અને તે શાથી મટી શકે તે યથાર્થ ન સમજાવાથી, દુઃખ મટાડવા સંબંધીનું તેમનું પ્રયત્ન સ્વરૂપથી અયથાર્થ હોવાથી દુ:ખ મટી શકતું નથી. દુઃખ અનુભવવામાં આવે છે, તોપણ તે સ્પષ્ટ ધ્યાનમાં આવવાને અર્થે થોડુંક તેનું વ્યાખ્યાન કરીએ છીએ. પ્રાણીઓ બે પ્રકારનાં છે: એક ત્રસ એટલે પોતે ભયાદિનું કારણ દેખી નાસી જતાં, હાલતાં ચાલતાં એ આદિ શક્તિવાળાં. બીજાં સ્થાવર : જે સ્થળે દેહ ધારણ કર્યો છે, તે જ સ્થળે સ્થિતિમાન, અથવા ભયાદિ કારણ જાણી નાસી જવા વગેરેની સમજણશક્તિ જેમાં નથી તે. અથવા એકેંદ્રિયથી માંડી પાંચ ઇંદ્રિય સુધીનાં પ્રાણીઓ છે. એકેંદ્રિય પ્રાણીઓ સ્થાવર કહેવાય, અને બે ઇંદ્રિયાવાળાં પ્રાણીથી માંડીને પાંચ ઇંદ્રિયવાળાં સુધીનાં પ્રાણી ત્રસ કહેવાય. પાંચ ઉપરાંત કોઈ પણ પ્રાણીને ઇંદ્રિય હોતી નથી. એકેંદ્રિય પ્રાણીના પાંચ ભેદ છેઃ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ. વનસ્પતિનું જીવત્વ સાધારણ મનુષ્યોને પણ કંઈક અનુમાનગોચર થાય છે. પૃથ્વી, પ્રાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ, આગમપ્રમાણથી, વિશેષ વિચારબળથી કંઈ પણ સમજી શકાય છે, સર્વથા તો પ્રકૃષ્ટજ્ઞાનગોચર છે. અગ્નિ અને વાયુના જીવો કંઈક ગતિમાન જોવામાં આવે છે. પણ તે પોતાની સમજણશક્તિપૂર્વક હોતું નથી, જેથી તેને સ્થાવર કહેવામાં આવે છે. એકેંદ્રિય જીવમાં વનસ્પતિમાં જીવત્વ સુપ્રસિદ્ધ છે, છતાં તેનાં પ્રમાણો આ ગ્રંથમાં અનુક્રમે આવશે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુનું જીવત્વ આ પ્રમાણે સિદ્ધ કર્યું છેઃ