________________ 753 2ષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે વિવાણિયા, 1953 ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઓર ન ચાહું રે કંત; રીયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.' ઋષભ૦ 1 નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થકર તે મારા પરમ વહાલા છે, જેથી હું બીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કોઈ દિવસ સંગ છોડે નહીં. જ્યારથી સંગ થયો ત્યારથી આદિ છે, પણ તે સંગ અટળ હોવાથી અનંત છે. 1 વિશેષાર્થ:- જે સ્વરૂપજિજ્ઞાસુ પુરુષો છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પોતાની વૃત્તિ તન્મય કરે છે, જેથી પોતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાતચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધનયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તો આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણસહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે. અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટ્યું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધ ભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંત ભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન સયોગીસિદ્ધ છે. સયોગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે; પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધ ભગવાન અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી, એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે : 'जे जाणई अरिहंते, दव्व ग्ण पज्जवेहिं य; सो जाणई निय अप्पा, मोहो खलु जाइ तस्स लयं.' જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય કરીને મોહ નાશ પામે. તે ભગવાનની ઉપાસના કેવા અનુક્રમથી જીવોને કર્તવ્ય છે, તે નવમા સ્તવનમાં શ્રી આનંદઘનજી કહેવાના છે, જેથી તે પ્રસંગે વિસ્તારથી કહીશું.