________________ 750' સહેજ સમાગમ થઈ આવે અથવા એ લોકો ઇચ્છીને વવાણિયા, ફાગણ સુદ 6, સોમ, 1953 મુનિ શ્રી લલ્લુજી તથા દેવકરણજી આદિ પ્રત્યે, સહેજે સમાગમ થઈ આવે અથવા એ લોકો ઇચ્છીને સમાગમ કરવા આવતા હોય તો સમાગમ કરવામાં શું હાનિ છે ? કદાપિ વિરોધવૃત્તિથી એ લોકો સમાગમ કરવાનું કરતા હોય તો પણ શું હાનિ છે ? આપણે તો તેના પ્રત્યે કેવળ હિતકારી વૃત્તિથી, અવિરોધ દ્રષ્ટિથી સમાગમમાં પણ વર્તવું છે, ત્યાં શો પરાભવ છે ? માત્ર ઉદીરણા કરીને સમાગમ કરવાનું હાલ કારણ નથી. તમ સર્વ મુમુક્ષુઓના આચાર વિષે તેમને કંઈ સંશય હોય, તોપણ વિકલ્પનો અવકાશ નથી. વડવામાં પુરુષના સમાગમમાં ગયા આદિનું પ્રશ્ન કરે તો તેના ઉત્તરમાં તો એટલું જ કહેવું યોગ્ય છે કે ‘તમે અમે સૌ આત્મહિતની કામનાએ નીકળ્યા છીએ; અને કરવા યોગ્ય પણ તે જ છે. જે પુરષના સમાગમમાં અમે આવ્યા છીએ તેના સમાગમમાં કોઈ વાર તમે આવીને પ્રતીતિ કરી જોશો કે તેમના આત્માની દશા કેમ છે? અને તેઓ આપણને કેવા ઉપકારના કર્તા છે? હાલ એ વાત આપ જવા દો. વડવા સુધી સહેજ પણ જવું થઈ શકે, અને આ તો જ્ઞાનદર્શનાદિના ઉપકારરૂપ પ્રસંગમાં જવું થયું છે, એટલે આચારની મર્યાદાના ભંગનો વિકલ્પ કરવો ઘટતો નથી. રાગદ્વેષ પરિક્ષીણ થવાનો માર્ગ જે પુરુષના ઉપદેશે કંઈ પણ સમજાય, પ્રાપ્ત થાય તે પુરુષનો ઉપકાર કેટલો ? અને તેવા પુરુષની કેવા પ્રકારે ભક્તિ કરવી તે તમે જ શાસ્ત્રાદિથી વિચારી જુઓ. અમે તો કંઈ તેવું કરી શક્યા નથી, કેમકે તેમણે પોતે એમ કહ્યું હતું કે “તમારો મુનિપણાનો સામાન્ય વ્યવહાર એવો છે કે બાહ્ય આ અવિરતિ પુરુષ પ્રત્યે વંદનાદિ વ્યવહાર કર્તવ્ય નહીં. તે વ્યવહાર તમારે પણ સાચવવો. તે વ્યવહાર તમે રાખો તેમાં તમારો સ્વચ્છેદ નથી, માટે રાખવા યોગ્ય છે. ઘણા જીવોને સંશયનો હેતુ નહીં થાય. અમને કંઈ વંદનાદિની અપેક્ષા નથી”. આ પ્રકારે જેમણે સામાન્ય વ્યવહાર પણ સચવાવ્યો હતો, તેમની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, તે તમે વિચાર કરો. કદાપિ હાલ તમને તે વાત નહીં સમજાય તો આગળ પર સમજાશે, એ વાતમાં તમે નિઃસંદેહ થાઓ. ‘બીજા કંઈ સતમાર્ગરૂપ આચારવિચારમાં અમારી શિથિલતા થઈ હોય તો તમે કહો, કેમકે તેવી શિથિલતા તો મળ્યા વિના હિતકારી માર્ગ પમાય નહીં, એમ અમારી દ્રષ્ટિ છે.’ એ આદિ પ્રસંગે કહેવું ઘટે તો કહેવું; અને તેમના પ્રત્યે અદ્વેષભાવ છે એવું ખુલ્લું તેમના ધ્યાનમાં આવે તેવી વૃત્તિએ તથા રીતિએ વર્તવું, તેમાં સંશય કર્તવ્ય નથી. બીજા સાધુ વિષે તમારે કાંઈ કહેવું કર્તવ્ય નથી. સમાગમમાં આવ્યા પછી પણ કંઈ ન્યૂનાધિકપણે તેમના ચિત્તમાં રહે તોપણ વિક્ષેપ પામવો નહીં. તેમના પ્રત્યે બળવાન અદ્વેષભાવનાએ વર્તવું એ જ સ્વધર્મ છે. 1 જુઓ પત્ર નં. 502. પત્ર નં. 502 છપાયા પછી આ પત્ર મિતિ સહિત આખો મળ્યો છે તેથી અહીં ફરીથી મૂક્યો છે.