________________ 749 “કર્મગ્રંથ' વિચારતાં કષાયાદિનું સ્વરૂ વવાણિયા, ફાગણ વદ 11, 1953 ત્રિભોવનનું લખેલું હતું તથા સુણાવ અને પેટલાદનાં પત્ર મળ્યાં છે. ‘કર્મગ્રંથ' વિચારતાં કષાયાદિનું સ્વરૂપ, કેટલુંક યથાર્થ સમજાતું નથી, તે વિશેષ અનુપ્રેક્ષાથી, ત્યાગવૃત્તિના બળે, સમાગમે સમજાવા યોગ્ય છે. ‘જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે. વખતનો અવકાશ મેળવીને નિયમિત રીતે બેથી ચાર ઘડી સુધી મુનિઓએ હાલ ‘સૂયગડાંગ’ વિચારવું ઘટે છે, - શાંત અને વિરક્ત ચિત્તથી.