________________ 729 યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ વવાણિયા, માર્ગશીર્ષ સુદ 10, સોમ, 1953 સર્વજ્ઞાય નમઃ ‘યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ, ‘પંચીકરણ’, ‘દાસબોધ’ તથા ‘વિચારસાગર’ એ ગ્રંથો તમારે વિચારવા યોગ્ય છે. એમાંનો કોઈ ગ્રંથ તમે પૂર્વે વાંચ્યો હોય તોપણ ફરી વાંચવો યોગ્ય છે, તેમ જ વિચારવો યોગ્ય છે. જૈનપદ્ધતિના એ ગ્રંથો નથી એમ જાણીને તે ગ્રંથો વિચારતાં ક્ષોભ પામવો યોગ્ય નથી. લોકદ્રષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદ્રષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદ્રષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.