________________ 728 સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે વિવાણિયા, માગશર સુદ 6, ગુરૂ, 1953 શ્રી માણેકચંદનો દેહ છૂટવા સંબંધી ખબર જાણ્યા. સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે.