________________ 719 એકાંતમાં અવગાહવાને અર્થે આત્મસિદ્ધિશાસ્ત્ર નડિયાદ, આસો વદ 10, શનિ, 1952 આત્માર્થી, મનિપથાભ્યાસી શ્રી લલ્લજી તથા શ્રી દેવકરણજી આદિ પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. પત્ર પ્રાપ્ત થયું હતું. શ્રી સદગુરૂદેવના અનુગ્રહથી અત્ર સમાધિ છે. એકાંતમાં અવગાહવાને અર્થે “આત્મસિદ્ધિશાસ્ત્ર' આ જોડે મોકલ્યું છે. તે હાલ શ્રી લલ્લુજીએ અવગાહવા યોગ્ય જિનાગમ વિચારવાની શ્રી લલ્લુજી અથવા શ્રી દેવકરણજીને ઇચ્છા હોય તો ‘આચારાંગ’, ‘સૂયગડાંગ’, ‘દશવૈકાલિક', ‘ઉત્તરાધ્યયન’ અને ‘પ્રશ્નવ્યાકરણ’ વિચારવા યોગ્ય છે. “આત્મસિદ્ધિશાસ્ત્રી શ્રી દેવકરણજીએ આગળ પર અવગાહવું વધારે હિતકારી જાણી હાલ શ્રી લલ્લુજીને માત્ર અવગાહવાનું લખ્યું છે; તોપણ જો શ્રી દેવકરણજીની વિશેષ આકાંક્ષા હાલ રહે તો પ્રત્યક્ષ સપુરુષ જેવો મારા પ્રત્યે કોઈએ પરમોપકાર કર્યો નથી એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી, અને આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવવાનો દોષ કર્યો એમ જ જાણીશ, અને આત્માને પુરુષનો નિત્ય આજ્ઞાંકિત રહેવામાં જ કલ્યાણ છે એવો, ભિન્નભાવરહિત, લોકસંબંધી બીજા પ્રકારની સર્વ કલ્પના છોડીને, નિશ્ચય વર્તાવીને, શ્રી લલ્લુજી મુનિના સહચારીપણામાં એ ગ્રંથ અવગાહવામાં હાલ પણ અડચણ નથી. ઘણી શંકાઓનું સમાધાન થવા યોગ્ય છે. સત્પરષની આજ્ઞામાં વર્તવાનો જેનો દ્રઢ નિશ્ચય વર્તે છે અને જે તે નિશ્ચયને આરાધે છે, તેને જ જ્ઞાન સમ્યકપરિણામી થાય છે, એ વાત આત્માર્થી જીવે અવશ્ય લક્ષમાં રાખવા યોગ્ય છે. અમે જે આ વચન લખ્યાં છે, તેના સર્વ જ્ઞાની પુરુષો સાક્ષી છે. બીજા મુનિઓને પણ જે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને વિવેકની વૃદ્ધિ થાય તે તે પ્રકારે શ્રી લલ્લુજી તથા શ્રી દેવકરણજીએ યથાશક્તિ સંભળાવવું તથા પ્રવર્તાવવું ઘટે છે; તેમ જ અન્ય જીવો પણ આત્માર્થ સન્મુખ થાય અને જ્ઞાની પુરુષની આજ્ઞાના નિશ્ચયને પામે તથા વિરક્ત પરિણામને પામે, રસાદિની લુબ્ધતા મોળી પાડે એ આદિ પ્રકારે એક આત્માર્થે ઉપદેશ કર્તવ્ય છે. અનંત વાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. એ જ વિનંતિ.