________________ વળી જીવ કરતાં ઈશ્વરનું સામર્થ્ય વિશેષ માનીએ તોપણ વિરોધ આવે છે. ઈશ્વર શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ગણીએ તો શુદ્ધ ચૈતન્ય એવા મુક્ત જીવમાં અને તેમાં ભેદ પડવો ન જોઈએ, અને ઈશ્વરથી કર્મનાં ફળ આપવાદિ કાર્ય ન થવાં જોઈએ; અથવા મુક્ત જીવથી પણ તે કાર્ય થવું જોઈએ; અને ઈશ્વરને જો અશુદ્ધ ચૈતન્યસ્વરૂપ ગણીએ તો તો સંસારી જીવો જેવી તેની સ્થિતિ ઠરે, ત્યાં પછી સર્વજ્ઞાદિ ગુણનો સંભવ ક્યાંથી થાય ? અથવા દેહધારી સર્વજ્ઞની પેઠે તેને ‘દેહધારી સર્વજ્ઞ ઈશ્વર’ માનીએ તોપણ સર્વ કર્મફળદાતૃત્વરૂપ ‘વિશેષ સ્વભાવ” ઈશ્વરમાં કયા ગુણને લીધે માનવા યોગ્ય થાય ? અને દેહ તો નાશ પામવા યોગ્ય છે, તેથી ઈશ્વરનો પણ દેહ નાશ પામે, અને તે મુક્ત થયે કર્મફળદાતૃત્વ ન રહે, એ આદિ અનેક પ્રકારથી ઈશ્વરને કર્મફળદાતૃત્વ કહેતાં દોષ આવે છે, અને ઈશ્વરને તેવે સ્વરૂપે માનતાં તેનું ઈશ્વરપણું ઉત્થાપવા સમાન થાય છે. (80) ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. 81 તેવો ફળદાતા ઈશ્વર સિદ્ધ થતો નથી એટલે જગતનો નિયમ પણ કોઈ રહે નહીં, અને શુભાશુભ કર્મ ભોગવવાનો કોઈ સ્થાનક પણ ઠરે નહીં. એટલે જીવને કર્મનું ભોકતૃત્વ ક્યાં રહ્યું ? 81 સમાધાન - સદ્ગુરૂ ઉવાચ (જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું છે, એમ સગુરૂ સમાધાન કરે છે :-) ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. 82 ભાવકર્મ જીવને પોતાની ભ્રાંતિ છે, માટે ચેતનરૂપ છે, અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવવીર્ય ફરાયમાન થાય છે, તેથી જડ એવા દ્રવ્યકર્મની વર્ગણા તે ગ્રહણ કરે છે. 82 કર્મ જડ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું, અથવા તે સ્વરૂપે પરિણમવું ? માટે જીવ કર્મનો ભોક્તા થવો સંભવતો નથી, એ આશંકાનું સમાધાન નીચેથી થશે :જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કર્તા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અર્થાત્ જીવની પોતાની કલ્પના છે, અને તે કલ્પનાને અનુસરીને તેના વીર્યસ્વભાવની સ્કૂર્તિ થાય છે, અથવા તેનું સામર્થ્ય તદનુયાયીપણે પરિણમે છે, અને તેથી જડની ધૂપ એટલે દ્રવ્યકર્મરૂપ પુદગલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. (82) ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. 83