________________ પણ આત્માને આપી શકાય નહીં. નિજ સ્વભાવમાં પરિણમવારૂપ સક્રિયતાથી નિજ સ્વભાવનું કર્તાપણું શુદ્ધાત્માને છે, તેથી કેવળ શુદ્ધ સ્વધર્મ હોવાથી એકાત્મપણે પરિણમે છે; તેથી અક્રિય કહેતાં પણ દોષ નથી. જે વિચારે સક્રિયતા, અક્રિયતા નિરૂપણ કરી છે, તે વિચારના પરમાર્થને ગ્રહીને સક્રિયતા, અક્રિયતા કહેતાં કશો દોષ નથી. (78) શંકા - શિષ્ય ઉવાચ (તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય ? એમ શિષ્ય કહે છે-) જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય ? 79 જીવને કર્મનો કર્તા કહીએ તોપણ તે કર્મનો ભોક્તા જીવ નહીં ઠરે, કેમકે જડ એવાં કર્મ શું સમજે કે તે ફળ દેવામાં પરિણામી થાય ? અર્થાત ફળદાતા થાય ? 79 ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. 80 ફળદાતા ઈશ્વર ગણીએ તો ભોક્તાપણું સાધી શકીએ, અર્થાત્ જીવને ઈશ્વર કર્મ ભોગવાવે તેથી જીવ કર્મનો ભોક્તા સિદ્ધ થાય, પણ પરને ફળ દેવા આદિ પ્રવૃત્તિવાળો ઈશ્વર ગણીએ તો તેનું ઈશ્વરપણું જ રહેતું નથી, એમ પણ પાછો વિરોધ આવે છે. 80 ‘ઈશ્વર સિદ્ધ થયા વિના એટલે કર્મફળદાતૃત્વાદિ કોઈ પણ ઈશ્વર ઠર્યા વિના જગતની વ્યવસ્થા રહેવી સંભવતી નથી', એવા અભિપ્રાય પરત્વે નીચે પ્રમાણે વિચારવા યોગ્ય છે : જો કર્મનાં ફળને ઈશ્વર આપે છે એમ ગણીએ તો ત્યાં ઈશ્વરનું ઈશ્વરપણું જ રહેતું નથી, કેમકે પરને ફળ દેવા આદિ પ્રપંચમાં પ્રવર્તતાં ઈશ્વરને દેહાદિ અનેક પ્રકારનો સંગ થવો સંભવે છે, અને તેથી યથાર્થ શુદ્ધતાનો ભંગ થાય છે. મુક્ત જીવ જેમ નિષ્ક્રિય છે એટલે પરભાવાદિનો કર્તા નથી, જો પરભાવાદિનો કર્તા થાય તો તો સંસારની પ્રાપ્તિ થાય છે, તેમ જ ઈશ્વર પણ પરને ફળ દેવા આદિ રૂપ ક્રિયામાં પ્રવર્તે તો તેને પણ પરભાવાદિના કર્તાપણાનો પ્રસંગ આવે છે; અને મુક્ત જીવ કરતાં તેનું ન્યૂનત્વ ઠરે છે, તેથી તો તેનું ઈશ્વરપણું જ ઉચ્છેદવા જેવી સ્થિતિ થાય છે. વળી જીવ અને ઈશ્વરનો સ્વભાવભેદ માનતાં પણ અનેક દોષ સંભવે છે. બન્નેને જો ચૈતન્ય સ્વભાવ માનીએ, તો બન્ને સમાન ધર્મના કર્તા થયા; તેમાં ઈશ્વર જગતાદિ રચે અથવા કર્મનું ફળ આપવારૂપ કાર્ય કરે અને મુક્ત ગણાય; અને જીવ એકમાત્ર દેહાદિ સૃષ્ટિ રચે, અને પોતાનાં કર્મોનું ફળ પામવા માટે ઈશ્વરાશ્રય ગ્રહણ કરે, તેમ જ બંધમાં ગણાય એ યથાર્થ વાત દેખાતી નથી. એવી વિષમતા કેમ સંભવિત થાય ?