________________ ઉત્પત્તિ, લય ચેતન જાણે છે, માટે ચેતન નિત્ય નથી; એમ કહીએ તે, તેવું પ્રમાણ થયું. તે પ્રમાણનું કેવું યથાર્થપણું છે તે તમે જ વિચારી જુઓ. (62) જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. 63 જેના અનુભવમાં એ ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે તે ભાન તેથી જુદા વિના કોઈ પ્રકારે પણ સંભવતું નથી, અર્થાત્ ચેતનનાં ઉત્પત્તિ, લય થાય છે, એવો કોઈને પણ અનુભવ થવા યોગ્ય છે નહીં. 63 દેહની ઉત્પત્તિ અને દેહના લયનું જ્ઞાન જેના અનુભવમાં વર્તે છે, તે તે દેહથી જુદો ન હોય તો કોઈ પણ પ્રકારે દેહની ઉત્પત્તિ અને લયનું જ્ઞાન થાય નહીં. અથવા જેની ઉત્પત્તિ અને લય જે જાણે છે તે તેથી જુદો જ હોય, કેમકે તે ઉત્પત્તિલયરૂપ ન ઠર્યો, પણ તેનો જાણનાર ઠર્યો. માટે તે બેની એકતા કેમ થાય ? (63) જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. 64 જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે, અર્થાત અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ' નિત્ય સમજાય છે. 64 જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દ્રશ્ય છે, અર્થાત આત્મા તેને જુએ છે. અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ આત્માને તમે નિત્ય અસ્પર્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (64) જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. 65 જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઈને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં. 65 કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. 66