________________ નિજ સ્વભાવ જ્ઞાનમાં કેવળ ઉપયોગે, તન્મયાકાર, સહજ સ્વભાવે, નિર્વિકલ્પપણે આત્મા પરિણમે તે તથારૂપ પ્રતીતિપણે પરિણમે તે સમ્યકત્વ છે. નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સમ્યકત્વ કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, ક્વચિત્ વિસર્જન, ક્વચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયોપશમ સમ્યકત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યકત્વ કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યકત્વ કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અલ્પ પુગલનું વેદવું જ્યાં રહ્યું છે તેને વેદક સમ્યકત્વ કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શોક ક્રમે કરી ક્ષય થાય. મનરૂપ યોગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે. અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપયોગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાય કર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે ......... કેવળજ્ઞાન છે.