________________ 709 હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા રાળજ, ભાદરવા, 1952 1. હે નાથ ! કાં ધર્મોન્નતિ કરવારૂપ ઇચ્છા સહજપણે સમાવેશ પામે તેમ થાઓ; કાં તો તે ઇચ્છા અવશ્ય કાર્યરૂપ થાઓ. અવશ્ય કાર્યરૂપ થવી બહુ દુષ્કર દેખાય છે. કેમકે અલ્પ અલ્પ વાતમાં મતભેદ બહુ છે, અને તેનાં મૂળ ઘણાં ઊંડાં ગયેલાં છે. મૂળમાર્ગથી લોકો લાખો ગાઉ દૂર છે એટલું જ નહીં પણ મૂળમાર્ગની જિજ્ઞાસા તેમને ઉત્પન્ન કરાવવી હોય, તોપણ ઘણા કાળનો પરિચય થયે પણ થવી કઠણ પડે એવી તેમની દુરાગ્રહાદિથી જડપ્રધાન દશા વર્તે છે. 2. ઉન્નતિનાં સાધનોની સ્મૃતિ કરું છું - બોધબીજનું સ્વરૂપનિરૂપણ મૂળમાર્ગ પ્રમાણે ઠામ ઠામ થાય. ઠામ ઠામ મતભેદથી કંઈ જ કલ્યાણ નથી એ વાત ફેલાય. પ્રત્યક્ષ સગુરૂની આજ્ઞાએ ધર્મ છે એમ વાત લક્ષમાં આવે. દ્રવ્યાનુયોગ, - આત્મવિદ્યાપ્રકાશ થાય. ત્યાગ વૈરાગ્યના વિશેષપણાથી સાધુઓ વિચરે. નવતત્ત્વપ્રકાશ. શ્રાવકધર્મપ્રકાશ. વિચાર. ઘણા જીવોને પ્રાપ્તિ.