________________ 707 બ્રહ્મરંધ્રાદિને વિષે થતા ભાસ વિષે વડવા, ભાદરવા સુદ 11, ગુરૂ, 1952 બ્રહ્મરંધ્રાદિને વિષે થતા ભાસ વિષે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજો તે વિષેની વિગતનો અત્રે કાગળ મળ્યો છે. તે તે ભાસ થવા સંભવે છે, એમ જણાવવામાં કંઈક સમજણભેદથી વ્યાખ્યાભેદ થાય. શ્રી વૈજનાથજીનો તમને સમાગમ છે, તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવો યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું કરીને વિશેષ લક્ષ કરાવી શકાતો નથી, જેથી તમને શ્રી વૈજનાથજીનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી. આત્માના કંઈક ઉજ્વળપણાને અર્થે, તેનું અસ્તિત્વ તથા માહાભ્યાદિ પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે, એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી, એટલો લક્ષ અવશ્ય રાખવો યોગ્ય છે. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય.