________________ 696 ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા મુંબઈ, અષાડ વદ 8, રવિ, 1952 ભુજાએ કરી જે સ્વયંભૂરમણસમુદ્ર તરી ગયા, તરે છે, અને તરશે તે સપુરુષોને નિષ્કામ ભક્તિથી ત્રિકાળ નમસ્કાર. સહેજ વિચારને અર્થે પ્રશ્ન લખ્યા હતા, તે તમારો કાગળ પ્રાપ્ત થયો હતો. એક ધારાએ વેદવા યોગ્ય પ્રારબ્ધ વેદતાં કંઈ એક પરમાર્થ વ્યવહારરૂપ પ્રવૃત્તિ કૃત્રિમ જેવી લાગે છે, અને તે આદિ કારણથી માત્ર પહોંચ લખવાનું પણ કર્યું નથી. ચિત્તને સહેજ પણ અવલંબન છે તે ખેંચી લેવાથી આર્નતા પામશે, એમ જાણી તે દયાના પ્રતિબંધે આ પત્ર લખ્યું છે. સૂક્ષ્મસંગરૂપ અને બાહ્યસંગરૂપ દુસ્તર સ્વયંભૂરમણસમુદ્ર ભુજાએ કરી જે વર્ધમાનાદિ પુરુષો તરી ગયા છે, તેમને પરમભક્તિથી નમસ્કાર હો ! પડવાના ભયંકર સ્થાનકે સાવચેત રહી, તથારૂપ સામર્થ્ય વિસ્તારી સિદ્ધિ સિદ્ધ કરી છે, તે પુરુષાર્થને સંભારી રોમાંચિત, અનંત અને મૌન એવું આશ્ચર્ય ઊપજે છે.