________________ 693 જેને મૃત્યુની સાથે મિત્રતા હોય મુંબઈ, અસાડ સુદ 2, રવિ, 1952 જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. - શ્રી તીર્થકર - છજીવનિકાય અધ્યયન. જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદગુરૂને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવદ્ય દીઠું છે, અને તેમ જ વર્યા છે. તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.