________________ 670 જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે મુંબઈ, ફાગણ સુદ 1, 1952 ૐ સદ્ગુરૂપ્રસાદ જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય સર્વ દુ:ખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સગુરૂદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે. ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશકાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા પુરુષની ભક્તિ, સપુરુષના ગુણગ્રામ, સપુરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સપુરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સપુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.