________________ 646 સર્વ જીવને અપ્રિય છતાં જે મુંબઈ, આસો, 1951 સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે, અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિદ્ધ થયું હોય એમ જણાય છે. વર્તમાનમાં જો પોતાનું વિદ્યમાનપણું છે, તો ભૂતકાળને વિષે પણ તેનું વિદ્યમાનપણું હોવું જોઈએ, અને ભવિષ્યમાં પણ તેમ જ હોવું જોઈએ. આ પ્રકારના વિચારનો આશ્રય મુમુક્ષુ જીવને કર્તવ્ય છે. કોઈ પણ વસ્તુનું પૂર્વપશ્ચાત હોવાપણું ન હોય, તો મધ્યમાં તેનું હોવાપણું ન હોય એવો અનુભવ વિચારતાં થાય છે. વસ્તુની કેવળ ઉત્પત્તિ અથવા કેવળ નાશ નથી, સર્વકાળ તેનું હોવાપણું છે, રૂપાંતર પરિણામ થયાં કરે છે; વસ્તુતા ફરતી નથી, એવો શ્રી જિનનો અભિમત છે, તે વિચારવા યોગ્ય છે. ‘ષદર્શનસમુચ્ચય’ કંઈક ગહન છે, તોપણ ફરી ફરી વિચારવાથી તેનો કેટલોક બોધ થશે. જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીનાં વચનોનો વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે. મારા યોગ્ય કામકાજ લખશો. એ જ વિનંતિ. લિ૦ રાયચંદના પ્રણામ વાંચશો.