________________ 633 તમારા લખેલા બે કાગળ તથા વાણિયા, શ્રાવણ વદ 14, સોમ, 1951 આત્માર્થઇચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે, શ્રી સૂર્યપુર. તમારા લખેલા બે કાગળ તથા શ્રી દેવકરણજીનો લખેલો એક કાગળ એમ ત્રણ કાગળ મળ્યા છે. આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિષે શ્રી દેવકરણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે, એમ તેમને જણાવશો. આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું ક્વચિત બની શકે. તથાપિ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ શ્રી દેવકરણજીએ પણ હજી તે વિષે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. સહજસ્વરૂપે યથાયોગ્ય.