________________ 627 આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ વવાણિયા, શ્રાવણ સુદ 15, સોમ, 1951 આત્માર્થે વિચારમાર્ગ અને ભક્તિમાર્ગ આરાધવા યોગ્ય છે; પણ વિચારમાર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું છે, તે યોગ્ય છે તોપણ તે વિષે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. 1શ્રી ડુંગરે કેવળદર્શન સંબંધી જણાવેલી આશંકા લખી તે વાંચી છે. બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે, અથવા તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે. એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. 1 સં. ૨૦૬૨ની ૧૦મી આવૃત્તિ સુધી આ પત્રમાં શ્રી ડુંગરશીનો ઉલ્લેખ હતો, પરંતુ મૂળ પત્ર પ્રાપ્ત થવાના કારણે, તેના આધારે પ્રસ્તુત આવૃત્તિથી આ પત્રમાં શ્રી નાગજીસ્વામીનું નામ મૂકવામાં આવ્યું છે. આ પત્ર શ્રી ધારશીભાઈ કુશળચંદ પર છે. શ્રી ડુંગરશીના નામનો ઉલ્લેખ બધું ચકાસણી કરીને જોતાં પત્ર ૨૯૭માં કરવામાં આવ્યો છે.