________________ 625 પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે વિવાણિયા, શ્રાવણ સુદ 10, 1951 પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મન:પર્યવજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા જ્ઞાનોપયોગમાં ગયું છે, તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગયું નથી, એમ સોમવારે બપોરે જણાવવું થયું હતું તે પ્રમાણે જૈનદર્શનનો અભિપ્રાય પણ આજે જોયો છે. આ વાત વધારે સ્પષ્ટ લખવાથી સમજવાનું થઈ શકે તેવી છે, કેમકે તેને કેટલાંક દ્રષ્ટાંતાદિકનું સહચારીપણું ઘટે છે, તથાપિ અત્રે તો તેમ થવું અશક્ય છે. મન:પર્યવસંબંધી લખ્યું છે તે પ્રસંગ, ચર્ચવાની નિષ્ઠાથી લખ્યું નથી. સોમવારે રાત્રે આશરે અગિયાર વાગ્યા પછી જે કંઈ મારાથી વચનયોગનું પ્રકાશવું થયું હતું તેની સ્મૃતિ રહી હોય તો યથાશક્તિ લખાય તો લખશો.