________________ 621 તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને મુંબઈ, આષાડ વદ 0)), સોમ, 1951 તમને તથા બીજા કોઈ સત્સમાગમની નિષ્ઠાવાળા ભાઈઓને અમારા સમાગમ વિષે જિજ્ઞાસા રહે છે તે પ્રકાર જાણ્યામાં રહે છે, પણ તે વિષેનો, અમુક કારણો પ્રત્યે, વિચાર કરતાં પ્રવૃત્તિ થતી નથી, જે કારણો જણાવતાં પણ ચિત્ત સંક્ષેપ થાય છે. જોકે કંઈ પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખવાનું બન્યું હોય તો પત્ર તથા સમાગમાદિની રાહ જોયા કરાવ્યાનું અને તેમાં અનિશ્ચિતપણું થતું હોવાથી કંઈ ક્લેશ પ્રાપ્ત થવા દેવાનું જે અમારા પ્રત્યેથી થાય છે તે થવાનો સંભવ ઓછો થાય, પણ તે વિષે સ્પષ્ટાર્થથી લખતાં પણ ચિત્ત ઉપશમ પામ્યા કરે છે, એટલે સહજે કાંઈ થાય તે થવા દેવું યોગ્ય ભાસે છે. વવાણિયેથી વળતી વખત ઘણું કરી સમાગમનો યોગ થશે. ઘણું કરી ચિત્તમાં એમ રહ્યા કરે છે કે હાલ વધારે સમાગમ પણ કરી શકવા યોગ્ય દશા નથી. પ્રથમથી આ પ્રકારનો વિચાર રહ્યા કરતો હતો, અને જે વિચાર વધારે શ્રેયકારક લાગતો હતો, પણ ઉદયવશાત કેટલાક ભાઈઓનો સમાગમ થવાનો પ્રસંગ થયો; જે એક પ્રકારે પ્રતિબંધ થવા જેવું જાણ્યું હતું. અને હાલ કંઈ પણ તેવું થયું છે, એમ લાગે છે. વર્તમાન આત્મદશા જોતાં તેટલો પ્રતિબંધ થવા દેવા યોગ્ય અધિકાર મને સંભવતો નથી. અત્રે કંઈક પ્રસંગથી સ્પષ્ટાર્થ જણાવવા યોગ્ય છે. આ આત્માને વિષે ગણનું વિશેષ વ્યક્તત્વ જાણી તમ વગેરે કોઈ મુમુક્ષુ ભાઈઓની ભક્તિ વર્તતી હોય તોપણ તેથી તે ભક્તિની યોગ્યતા મારે વિષે સંભવે છે એમ સમજવાને યોગ્યતા મારી નથી; કેમકે બહુ વિચાર કરતાં વર્તમાનમાં તો તેવો સંભવ થાય છે, અને તે કારણથી સમાગમથી કેટલોક વખત દૂર રહેવાનું ચિત્ત રહ્યા કરે છે; તેમ જ પત્રાદિ દ્વારા પ્રતિબંધની પણ નિરિચ્છા રહ્યા કરે છે. આ વાત પ્રત્યે યથાશક્તિ વિચાર કરવો યોગ્ય છે. પ્રશ્ન-સમાધાનાદિ લખવાનો ઉદય પણ અલ્પ વર્તતો હોવાથી પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમ જ વ્યાપારરૂપ ઉદયને વેચવામાં લક્ષ વિશેષ રાખ્યાથી પણ તેનો આ કાળમાં ઘણો ભાર ઓછો થઈ શકે એમ વિચારથી પણ બીજા પ્રકાર તેની સાથે આવતા જાણીને પણ સંક્ષેપે પ્રવર્તાય છે. આગળ જણાવ્યું તે પ્રમાણે વળતી વખતે ઘણું કરી સમાગમ થવાનો લક્ષ રાખીશ. એક વિનંતિ અત્રે કરવા યોગ્ય છે કે આ આત્મા વિષે તમને ગુણવ્યક્તત્વ ભાસતું હોય, અને તેથી અંતરમાં ભક્તિ રહેતી હોય તો તે વ્યક્તિ વિષે યથાયોગ્ય વિચાર કરી જેમ તમને યોગ્ય લાગે તેમ કરવા યોગ્ય છો; પણ બહાર આ આત્મા સંબંધી હાલ કંઈ પ્રસંગ ચર્ચિત થવા દેવા યોગ્ય નથી; કેમકે અવિરતિરૂપ ઉદય હોવાથી ગુણવ્યક્તત્વ હોય તો પણ લોકોને ભાસ્યમાન થવું કઠણ પડે; અને તેથી વિરાધના થવાનો કંઈ પણ હેતુ થાય; તેમ જ પૂર્વ મહાપુરુષના અનુક્રમનું ખંડન કરવા જેવું પ્રવર્તન આ આત્માથી કંઈ પણ થયું ગણાય.