________________ 620 જન્મથી જેને મતિ, શ્રત અને અવધિ મુંબઈ, અસાડ વદ 0)), સોમ, 1951 જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્મોપયોગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભોગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વર્ષ અને સાડા છ માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશમાર્ગ પ્રવર્તાવતાં કોઈ પણ જીવે અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે, એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. તેમ જ જિન જેવાએ જે પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવા યોગ્ય કોઈ જીવ ન હોય એમ જણાવ્યું છે, તથા અનંત આત્માર્થનો તે પ્રવર્તનથી પ્રકાશ કર્યો છે, જેવા પ્રકાર પ્રત્યે વિચારનું વિશેષ સ્થિરપણું વર્તે છે, વર્તાવું ઘટે છે. જે પ્રકારનું પૂર્વપ્રારબ્ધ ભોગવ્ય નિવૃત્ત થવા યોગ્ય છે, તે પ્રકારનું પ્રારબ્ધ ઉદાસીનપણે વેદવું ઘટે, જેથી તે પ્રકાર પ્રત્યે પ્રવર્તતાં જે કંઈ પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે પ્રસંગમાં જાગૃત ઉપયોગ ન હોય, તો જીવને સમાધિવિરાધના થતાં વાર ન લાગે. તે માટે સર્વ સંગભાવને મૂળપણે પરિણામી કરી, ભોગવ્યા વિના ન છુટી શકે તેવા પ્રસંગ પ્રત્યે પ્રવૃત્તિ થવા દેવી ઘટે, તોપણ તે પ્રકાર કરતાં સર્વાશ અસંગતા જન્મે તે પ્રકાર ભજવો ઘટે. કેટલાક વખત થયાં સહજ પ્રવૃત્તિ અને ઉદીરણ પ્રવૃત્તિ એમ વિભાગે પ્રવૃત્તિ વર્તે છે. મુખ્યપણે સહજ પ્રવૃત્તિ વર્તે છે. સહજપ્રવૃત્તિ એટલે પ્રારબ્ધોદયે ઉદ્ભવ થાય છે, પણ જેમાં કર્તવ્ય પરિણામ નહીં. બીજી ઉદીરણ પ્રવૃત્તિ જે પરાર્થાદિ યોગે કરવી પડે છે. હાલ બીજી પ્રવૃત્તિ થવામાં આત્મા સંક્ષેપ થાય છે, કેમકે અપૂર્વ એવા સમાધિયોગને તે કારણથી પણ પ્રતિબંધ થાય છે, એમ સાંભળ્યું હતું તથા જાણ્યું હતું, અને હાલ તેવું સ્પષ્ટાર્થે વેઠું છે. તે તે કારણોથી વધારે સમાગમમાં આવવાનું, પત્રાદિથી કંઈ પણ પ્રશ્નોત્તરાદિ જણાવવાનું, તથા બીજા પ્રકારે પરમાર્થાદિ લખવા કરવાનું પણ સંક્ષેપ થવાના પર્યાયને આત્મા ભજે છે. એવા પર્યાયને ભજ્યા વિના અપુર્વ સમાધિને હાનિ સંભવતી હતી. એમ છતાં પણ યથાયોગ્ય એવી સંક્ષેપ પ્રવૃત્તિ થઈ નથી. અત્રેથી શ્રાવણ સુદ 5-6 ના નીકળવાનું થવા સંભવ છે, પણ અહીંથી જતી વખતે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. અને અમારા જવાના પ્રસંગ વિષે હાલ તમારે બીજા કોઈ પ્રત્યે પણ જણાવવાનું વિશેષ કારણ નથી, કેમકે જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈ તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું. એ જ વિનંતિ.