________________ 616 ભાઈ અંબાલાલનાં લખેલા પત્ર-પત્તાં મુંબઈ, અસાડ વદ 2, રવિ, 1951 શ્રીમદ્ વીતરાગને નમસ્કાર શુભેચ્છા સંપન્ન ભાઈ અંબાલાલ તથા ભાઈ ત્રિભોવન પ્રત્યે, શ્રી સ્તંભતીર્થ. ભાઈ અંબાલાલનાં લખેલા પત્ર-પત્તાં તથા ભાઈ ત્રિભોવનનું લખેલું પત્ર મળ્યું છે. અમુક આત્મદશાના કારણથી વિશેષ કરી લખવા, જણાવવાનું બનતું નથી. તેથી કોઈ મુમુક્ષુને થવા યોગ્ય લાભમાં મારા તરફથી જે વિલંબ થાય છે, તે વિલંબ નિવૃત્ત કરવાની વૃત્તિ થાય છે, પણ ઉદયના કોઈ યોગથી તેમ જ હજુ સુધી વર્તવું બને છે. અસાડ વદ 2 ઉપર આ ક્ષેત્રથી થોડા વખત માટે નિવર્તવાનું બની શકે એવો સંભવ હતો, તે લગભગમાં બીજાં કાર્યનો ઉદય પ્રાપ્ત થવાથી લગભગ અસાડ વદ 0)) સુધી સ્થિરતા થવા સંભવ છે. અત્રેથી નીકળતાં વવાણિયે જતાં સુધીમાં વચ્ચે એકાદ બે દિવસની સ્થિતિ કરવાનું વૃત્તિમાં યથાયોગ્ય લાગતું નથી. વવાણિયે કેટલા દિવસની સ્થિતિ સંભવે છે, તે અત્યારે વિચારમાં આવી શક્યું નથી, પણ ભાદ્રપદ સુદિ દશમની લગભગે અત્રે આવવાનાં કંઈ કારણ સંભવે અને તેથી એમ લાગે છે કે વવાણિયા શ્રાવણ સુદ 15 સુધી અથવા શ્રાવણ વદ 10 સુધી રહેવું થાય. વળતી વખતે શ્રાવણ વદ દશમે વવાણિયેથી નીકળવાનું થાય તો ભાદ્રપદ સુદ દશમ સુધી વચ્ચે કોઈ ‘નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું બની શકે. હાલ તે સંબંધી વધારે વિચારવું અશક્ય છે. હાલ આટલું વિચારમાં આવે છે કે જો કોઈ નિવૃત્તિક્ષેત્રે રોકાવાનું થાય તોપણ મુમુક્ષભાઈઓથી વધારે પ્રસંગ કરવાનું મારાથી બનવું અશક્ય છે. જોકે આ વાત પર હજુ વિશેષ વિચાર થવા સંભવે છે. સત્સમાગમ અને સાસ્ત્રના લાભને ઈચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે. નિવૃત્તિક્ષેત્રે રોકાવા સંબંધી વિચાર વધારે સ્પષ્ટતાથી જણાવવાનું બનશે તો કરીશ. હાલ આ વાત માત્ર પ્રસંગે તમને જાણવા અર્થે લખી છે, જે વિચાર અસ્પષ્ટ હોવાથી બીજા મુમુક્ષભાઈઓને પણ જણાવવા યોગ્ય નથી. તમને જણાવવામાં પણ કોઈ રાગ હેતુ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ યથાયોગ્ય.