________________ 615 શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સોભાગ મુંબઈ, અસાડ સુદ 13, ગુરૂ, 1951 શ્રીમદ્ વીતરાગાય નમઃ શાશ્વત માર્ગનૈષ્ઠિક શ્રી સોભાગ પ્રત્યે યથાયોગ્યપૂર્વક, શ્રી સાયલા. તમારાં લખેલા પત્ર મળ્યાં છે. તથારૂપ ઉદયવિશેષથી પ્રત્યુત્તર લખવાની પ્રવૃત્તિ હાલ ઘણી સંક્ષેપ રહે છે, જેથી અત્રથી પત્ર લખવામાં વિલંબ થાય છે. પણ તમે, કંઈ જ્ઞાનવાર્તા લખવાનું સૂઝે તે લખવામાં તે વિલંબના કારણથી ન અટકશો. હાલ તમારા તથા શ્રી ડુંગરના તરફથી જ્ઞાનવાર્તા જણાવવાનું થતું નથી, તે લખશો. હાલ શ્રી કબીરસંપ્રદાયી સાધુનો કંઈ સમાગમ થાય છે કે કેમ? તે લખશો. અત્રેથી થોડા વખત માટે નિવૃત્ત થવારૂપ સમય જાણવા પૂછયો તેનો ઉત્તર લખતાં મન સંક્ષેપાય છે; જો બનશે તો એક બે દિવસ પછી લખીશ. નીચેના બોલો પ્રત્યે તમારે તથા શ્રી ડુંગરે વિશેષ વિચારપરિણતિ કરવા યોગ્ય છેઃ (1) કેવળજ્ઞાનનું સ્વરૂપ શા પ્રકારે ઘટે છે ? (2) આ ભરતક્ષેત્રમાં આ કાળે તેનો સંભવ હોઈ શકે કે કેમ ? (3) કેવળજ્ઞાનીને વિષે કેવા પ્રકારની આત્મસ્થિતિ હોય ? (4) સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને કેવળજ્ઞાનના સ્વરૂપમાં કેવા પ્રકારે ભેદ હોવા યોગ્ય છે? (5) સમ્યક્રદર્શનવાન પુરુષની આત્મસ્થિતિ કેવી હોય ? તમારે તથા શ્રી ડુંગરે ઉપર જણાવેલ બોલ પર યથાશક્તિ વિશેષ વિચાર કરવા યોગ્ય છે. તે સંબંધી પત્ર વાટે તમારાથી લખાવાયોગ્ય લખશો. હાલ અત્રે ઉપાધિનું કેટલુંક ઓછાપણું છે. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ યથાયોગ્ય.