________________ 610 પંદરેક દિવસ પ્રથમ એક અને એક મુંબઈ, અસાડ સુદ 1, રવિ, 1951 પંદરેક દિવસ પ્રથમ એક અને એક આજે એમ બે પત્ર મળ્યાં છે. આજના પત્રથી બે પ્રશ્ન જાગ્યા છે. સંક્ષેપથી તેનું સમાધાન આ પ્રમાણે છે : (1) સત્યનું જ્ઞાન થયા પછી મિથ્યાપ્રવૃત્તિ ન ટળે એમ બને નહીં. કેમકે જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદામ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઈ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. (2) દેવલોકમાંથી જે મનુષ્યમાં આવે તેને લોભ વધારે હોય એ આદિ કહ્યું છે તે સામાન્યપણે છે, એકાંત નથી. એ જ વિનંતિ.