________________ અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. 11. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષીણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. 12. સત્સંગનું એટલે પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. 13. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિયવિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યાં જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશય આરાધન કર્યા જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સંક્ષેપમાં લખાયેલાં જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારાં આ વાક્યો મુમુક્ષજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે, જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યાં છે.