________________ 603 જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે મુંબઈ, જેઠ સુદ 10, રવિ, 1951 જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણું કે ઓછાપણું કહી શકાતું નથી. જોકે સામાન્યપણે શરીરના સ્વાથ્યાદિથી શાતા અને જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષવિષાદનો હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તોપણ વિચારજાગૃતિને લીધે તે ઉદય ક્ષીણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે. વાયુફેર હોવાથી વહાણનું બીજી તરફ ખેંચાવું થાય છે, તથાપિ વહાણ ચલાવનાર જેમ પહોંચવા યોગ્ય માર્ગ ભણી તે વહાણને રાખવાના પ્રયત્નમાં જ વર્તે છે, તેમ જ્ઞાનીપુરુષ મન, વચનાદિ યોગને નિજભાવમાં સ્થિત થવા ભણી જ પ્રવર્તાવે છે; તથાપિ ઉદયવાયુયોગે યત્કિંચિત્ દશાફેર થાય છે, તોપણ પરિણામ, પ્રયત્ન સ્વધર્મને વિષે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન્ન શુભઅશુભ કર્મ પ્રમાણે બન્નેને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે; અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે. જ્યાં સંપૂર્ણ જ્ઞાન છે ત્યાં તો સ્ત્રીઆદિ પરિગ્રહનો પણ અપ્રસંગ છે. તેથી ન્યૂન ભૂમિકાની જ્ઞાનદશામાં (ચોથે, પાંચમે ગુણસ્થાનકે જ્યાં તે યોગનો પ્રસંગ સંભવે છે, તે દશામાં) વર્તતા જ્ઞાની સમ્યકદ્રષ્ટિને સ્ત્રીઆદિ પરિગ્રહની પ્રાપ્તિ થાય છે.