________________ 601 ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે મુંબઈ, જેઠ સુદ 10, રવિ, 1951 પરમ સ્નેહી શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ત્રણ દિવસ પ્રથમ તમારો લખેલો કાગળ મળ્યો છે. અત્રે આવવાનો વિચાર ઉત્તર મળતાં સુધી ઉપશમ કર્યો છે એમ લખ્યું તે વાંચ્યું છે. ઉત્તર મળતાં સુધી આવવાનો વિચાર અટકાવવા વિષે અહીંથી લખ્યું હતું તેનાં મુખ્ય કારણ આ પ્રમાણે છે :અત્રે આપનો આવવાનો વિચાર રહે છે, તેમાં એક હેતુ સમાગમલાભનો છે અને બીજો અનિચ્છિત હેતુ કંઈક ઉપાધિના સંયોગને લીધે વેપાર પ્રસંગે કોઈને મળવા કરવા વિષેનો છે. જે પર વિચાર કરતાં હાલ આવવાનો વિચાર અટકાવ્યો હોય તોપણ અડચણ નથી એમ લાગ્યું, તેથી એ પ્રમાણે લખ્યું હતું. સમાગમયોગ ઘણું કરીને અત્રેથી એક કે દોઢ મહિના પછી નિવૃત્તિ કંઈ મળવા સંભવ છે ત્યારે તે ભણી થવા સંભવ છે. અને ઉપાધિ માટે હાલ ત્રંબક વગેરે પ્રયાસમાં છે. તો તમારે આવવાનું તે પ્રસંગે વિશેષ કારણ જેવું તરતમાં નથી. અમારે તે તરફ આવવાનો યોગ થવાને વધારે વખત જવા જેવું દેખાશે તો પછી આપને એક આંટો ખાઈ જવાનું જણાવવાનું ચિત્ત છે. આ વિષે જેમ આપનું ધ્યાન પહોંચે તેમ લખશો. ઘણા મોટા પુરુષોના સિદ્ધિયોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે, તથા લોકકથામાં તેવી વાતો સંભળાય છે. તે માટે આપને સંશય રહે છે, તેનો સંક્ષેપમાં આ પ્રમાણે ઉત્તર છે : અષ્ટ મહાસિદ્ધિ આદિ જે જે સિદ્ધિઓ કહી છે, ૐ’ આદિ મંત્રયોગ કહ્યાં છે, તે સર્વ સાચાં છે. આમૈશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે, ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિયોગ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે, પણ વર્તમાનમાં કોઈક જીવમાં જ તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્ત્વનું ન્યૂનપણું વર્તે છે, અને તે કારણે તેવા ચમત્કારાદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિઃશંકપણું થાય, કેમકે આત્મામાં જે સમર્થપણું છે, તે સમર્થપણા પાસે એ સિદ્ધિલબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈ કોઈ વાર લખો છો તેનું શું કારણ છે, તે જણાવશો. એ પ્રકારનાં પ્રશ્નો વિચારવાનને કેમ હોય? શ્રી ડુંગરને નમસ્કાર. કંઈ જ્ઞાનવાર્તા લખશો.