________________ એવા વિચારવાનને રહે તે ઘટારત નથી, પછી બીજા સાધારણ જીવોને વિષે તેવા દોષની નિવૃત્તિ સત્સંગથી પણ કેમ થાય ? એક આટલું અમારા ચિત્તમાં રહે છે કે આ ક્ષેત્ર સામાન્યપણે અનાર્ય ચિત્ત કરી નાખે તેવું છે. તેવા ક્ષેત્રમાં સત્સમાગમનો યથાસ્થિત લાભ લેવાનું ઘણું કઠણ પડે છે; કેમકે આજુબાજુના સમાગમો, લોકવ્યવહાર બધા ઘણું કરી વિપર્યય રહ્યા, અને તે કારણથી ઘણું કરી કોઈ મુમુક્ષજીવ અત્રે ચાહીને સમાગમાર્થે આવવા ઇચ્છા કરતા હોય તેને પણ પ્રત્યુત્તર ‘ના’ લખવા જેવું બને છે, કેમકે તેના શ્રેયને બાધ ન થવા દેવો યોગ્ય છે. તમારા તથા શ્રી ડુંગરના આવવા સંબંધમાં એટલો બધો વિચાર તો ચિત્તમાં થતો નથી, પણ કંઈક સહજ થાય છે. એ સહજ વિચાર થાય છે તે એવા કારણથી થતો નથી કે અત્રેનો ઉદયરૂપ ઉપાધિયોગ જોઈ અમારા પ્રત્યે તમારા ચિત્તમાં કંઈ વિક્ષેપ થાય; પણ એમ રહે છે કે તમારા તથા શ્રી ડુંગર જેવાના સત્સમાગમનો લાભ ક્ષેત્રાદિના વિપર્યયપણાથી યથાયોગ્ય ન લેવાય તેથી ચિત્તમાં ખેદ આવી જાય છે. જોકે તમારા આવવાના પ્રસંગમાં ઉપાધિ ઘણી ઓછી કરવાનું બની શકશે, તથાપિ આજુબાજુનાં સાધનો સત્સમાગમને અને નિવૃત્તિને વર્ધમાન કરનારાં નહીં, તેથી ચિત્તમાં સહજ લાગે છે. આટલું લખવાથી ચિત્તમાં આવેલો એક વિચાર લખ્યો છે એમ સમજવું. પણ તમને અથવા શ્રી ડુંગરને અટકાવવા વિષેનો કંઈ પણ આશય ધારી લખ્યું નથી, પણ એટલો આશય ચિત્તમાં છે કે જો શ્રી ડુંગરનું ચિત્ત આવવા પ્રત્યેમાં કંઈક શિથિલ દેખાય તો તેમના પ્રત્યે વિશેષ તમે દબાણ કરશો નહીં, તોપણ અડચણ નથી, કેમકે શ્રી ડુંગરાદિના સમાગમની ઇચ્છા વિશેષ રહે છે, અને અત્રેથી નિવૃત્ત થવાનું થોડા વખત માટે હાલ બને તો કરવાની ઇચ્છા છે તો શ્રી ડુંગરનો સમાગમ કોઈ બીજા નિવૃત્તિક્ષેત્રે કરવાનું થશે એમ લાગે છે. તમારા માટે પણ એવા પ્રકારનો વિચાર રહે છે, તથાપિ તેમાં ભેદ એટલો પડે છે કે તમારા આવવાથી અત્રેની કેટલીક ઉપાધિ અલ્પ કેમ કરી શકાય ? તે પ્રત્યક્ષ દેખાડી, તે પ્રત્યેનો વિચાર લેવાનું બની શકે. જેટલે અંશે શ્રી સોભાગ પ્રત્યે ભક્તિ છે, તેટલે અંશે જ શ્રી ડુંગર પ્રત્યે ભક્તિ છે એટલે તેને આ ઉપાધિ વિષે વિચાર જણાવવાથી પણ અમને તો ઉપકાર છે; તથાપિ શ્રી ડુંગરના ચિત્તને કંઈ પણ વિક્ષેપ થતો હોય અને અત્રે આવવાનું કરાવવું થતું હોય તો સત્સમાગમ યથાયોગ્ય ન થાય. તેમ ના બનતું હોય તો શ્રી ડુંગરે અને શ્રી સોભાગે અત્રે આવવામાં કંઈ પ્રતિબંધ નથી. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.