________________ 593 આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે મુંબઈ, વૈશાખ સુદ 15, બુધ, 1951 આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વ કહ્યો છે. અનાદિકાળથી જીવે અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતા પ્રત્યે આવવું તેને દુર્ગમ પડે છે. શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિકરણ સુધી જીવ અનંતી વાર આવ્યો છે, પણ જે સમયે ગ્રંથિભેદ થવા સુધી આવવાનું થાય છે ત્યારે ક્ષોભ પામી પાછો સંસારપરિણામી થયા કર્યો છે. ગ્રંથિભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જીવે નિત્યપ્રત્યે સત્સમાગમ, સદવિચાર અને સદગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે. આ દેહનું આયુષ્ય પ્રત્યક્ષ ઉપાધિયોગે વ્યતીત થયું જાય છે. એ માટે અત્યંત શોક થાય છે, અને તેનો અલ્પકાળમાં જો ઉપાય ન કર્યો તો અમ જેવા અવિચારી પણ થોડા સમજવા. જે જ્ઞાનથી કામ નાશ પામે તે જ્ઞાનને અત્યંત ભક્તિએ નમસ્કાર હો. આ૦ સ્વી યથાયોગ્ય