________________ 588 શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, 1951 શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડમાર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. આત્મસ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુતજ્ઞાનસ્વરૂપ એવાં દ્વાદશાંગમાં સૌથી પ્રથમ ઉપદેશયોગ્ય એવું ‘આચારાંગસૂત્ર' છે; તેના પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશામાં પ્રથમ વાક્ય જે શ્રી જિને ઉપદેશ કર્યો છે, તે સર્વ અંગના, સર્વ શ્રુતજ્ઞાનના સારસ્વરૂપ છે, મોક્ષના બીજભૂત છે, સમ્યકત્વસ્વરૂપ છે. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે, કે જ્ઞાનીપરષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છેદે નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. સર્વ જીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી તો પછી શ્રી દેવકરણજી પોતાને પરમાત્મસ્વરૂપ માને તો તે વાત અસત્ય નથી, પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ્ય પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ, જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે; અને તે રસ્તે યથાર્થ પરમાત્મપણું પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી; તથા શ્રી જિન વીતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાતના કરવારૂપ પ્રવૃત્તિ થાય છે. બીજો મતભેદ કંઈ નથી. મૃત્યુનું આવવું અવશ્ય છે. આ૦ સ્વ૦ પ્રણામ.