________________ 587 કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે મુંબઈ, ચૈત્ર વદ 12, રવિ, 1951 ‘કેવળજ્ઞાનથી પદાર્થ કેવા પ્રકારે દેખાય છે ?' એ પ્રશ્નનો ઉત્તર વિશેષ કરી સમાગમમાં સમજવાથી સ્પષ્ટ સમજી શકાય તેવો છે, તોપણ સંક્ષેપમાં નીચે લખ્યો છે : જેમ દીવો જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે, તેમ જ્ઞાન જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં પ્રકાશકપણે હોય છે. દીવાનો સહજ સ્વભાવ જ જેમ પદાર્થપ્રકાશક હોય છે, તેમ જ્ઞાનનો સહજ સ્વભાવ પણ પદાર્થપ્રકાશક છે. દીવો દ્રવ્યપ્રકાશક છે, અને જ્ઞાન દ્રવ્ય, ભાવ બન્નેને પ્રકાશક છે. દીવાના પ્રગટવાથી તેના પ્રકાશની સીમામાં જે કોઈ પદાર્થ હોય છે તે સહજે દેખાઈ રહે છે, તેમ જ્ઞાનના વિદ્યમાનપણાથી પદાર્થનું સહેજ દેખાવું થાય છે. જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી લોકાલોક પ્રકાશક છે. આરસો, દીવો, સૂર્ય અને ચક્ષુ જેમ પદાર્થપ્રકાશક છે, તેમ જ્ઞાન પણ પદાર્થપ્રકાશક છે.