________________ 585 જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી મુંબઈ, ચૈત્ર વદ 11, શુક, 1951 ‘જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવસ્વભાવ રે; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાયઅભાવ રે.’ સત્સંગ નૈષ્ઠિક શ્રી સોભાગ તથા શ્રી ડુંગર પ્રત્યે નમસ્કારપૂર્વક, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ, અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. નિર્વિકલ્પ ઉપયોગનો લક્ષ સ્થિરતાનો પરિચય કર્યાથી થાય છે. સુધારસ, સત્સમાગમ, સંન્શાસ્ત્ર, સદ્વિચાર અને વૈરાગ્ય-ઉપશમ એ સૌ તે સ્થિરતાના હેતુ છે.