________________ 581 ચેતનને ચેતન પર્યાય હોય મુંબઈ, ચૈત્ર વદ 8, બુધ, 1951 ચેતનને ચેતન પર્યાય હોય, અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. લખવાનું હાલ ઓછું બની શકે છે તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી, તેમ કેટલાક વિચારો ઉપશમ કરવારૂપ પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હાલ અત્રે એટલી બધી ઉપાધિ રહેતી નથી, તોપણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિષે જે બને તે ખરું. એ જ વિનંતી. પ્રણામ.