________________ પામર જીવ કરતાં કરતાં કાળ વ્યતીત કરશે તો અશ્રેય થશે, એવો ભય જીવના ઉપયોગ પ્રત્યે પ્રવર્તે છે, કેમકે એમ જ કર્તવ્ય છે. જે રાગદ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગદ્વેષાદિ પરિણામ છતાં જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુક્ત દશાની જીવ આશાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષીણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદામ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાભ્યઅધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતર્યાગ કહ્યો નથી, એમ છે, તોપણ આ જીવે અંતર્યંગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે. નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ. જોકે એમ લાગે છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે; માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે, એમ વર્યા કરે છે. પ્રસંગથી કેટલાંક અરસપરસ સંબંધ જેવાં વચનો આ પત્રમાં લખ્યાં છે, તે વિચારમાં ફુરી આવતાં સ્વવિચારબળ વધવાને અર્થે અને તમને વાંચવા વિચારવાને અર્થે લખ્યાં છે. જીવ, પ્રદેશ, પર્યાય તથા સંખ્યાત, અસંખ્યાત, અનંત આદિ વિષે તથા રસના વ્યાપકપણા વિષે ક્રમે કરી સમજવું યોગ્ય થશે. તમારો અત્ર આવવાનો વિચાર છે, તથા શ્રી ડુંગર આવવાનો સંભવ છે એમ લખ્યું તે જાણું છે. સત્સંગ જોગની ઇચ્છા રહ્યા કરે છે.